Friday 11 May 2012

ભીતરના  વાદળને વરસાવી તો જો ,
સુગંધને શબ્દો સુધી લાવી તો જો.

હાર ભલે ને નિશ્ચિત લાગે છે તુજ ને,
થોડી હિંમત બસ તું પ્રગટાવી તો જો.

આપોઆપ બધું આઘું ચાલ્યું જાશે,
જ્યાં છે  ત્યાં  અજવાળું ફેલાવી તો જો।

થાય અચાનક સઘળું એજ મઝા સાચી,
ઈચ્છા વિઘ્ન સ્વયં છે , અટકાવી તો જો।

'હર્ષ' સદા મન શંકા કરતું  ડગલે-પગલે,
કદી  એજ મન પર શંકા લાવી તો જો.

-હર્ષ  બ્રહ્મભટ્ટ 


જ્યારે આપણે  અંગ્રેજી દવાઓ થી થાકી  હારીને  કુદરતી ઉપચાર ને શરણે જઈએ છીએ ત્યારની  મનોદશા ને  હું આ ગઝલમાં અપરોક્ષ રીતે વ્યક્ત થતી જોઉં છું.

પહેલી કડીમાં  ભીતર નાં વાદળ ને  એટલે કે આંતરિક શક્તિઓને છુટ્ટો દોર આપીને સારવાર નું  કામ સોપવાની વાત  થતી હોય તેવું લાગે છે।

બીજી કડીમાં રોગ ની સામે હારી જવાને બદલે પ્રતિકાર કરવાની વાત મને વંચાય છે.

ત્રીજી કડીમાં રોગ સામે જીત નક્કી જ છે એનો સ્પષ્ટ  અણસાર શું નથી વંચાતો?

ચોથી કડીમાં  જ્યારે બધા પ્રયાસો પછી કોઈ ન સમજાય તેવા નિમિત્ત મારફત  કુદરતી         ઉપચાર તરફ વળીએ છીએ ત્યારે એ  અચાનક બની જતી સુખદ ઘટના નું આલેખન છે.

છેલ્લી પંક્તિઓ મને ખુબ ગમી છે. કુદરતી ઉપચાર જેવા સાદા, સરળ ઉપાયો થી કેવી                 રીતે સારું થશે તેવી શંકા કુશંકા કરતા 'મન' ઉપર વિશ્વાસ મૂકવાને બદલે શંકા કરવી                  જરૂરી છે અને હિંમતપૂર્વક આગળ વધવું જોઈએ તેવો સ્પષ્ટ ઈશારો મને વંચાયો છે. 

પહેલી નજરે કવિ શ્રીએ પોતાની રીતે વ્યક્ત કરેલા ભાવો જેટલા સુંદર છે તેટલા જ બીજી           નજરે    (ઉપર લખ્યા મુજબ) પણ તેટલા જ સુંદર મને લાગ્યા છે . 

કવિશ્રી આ નવું અર્થઘટન પણ આવકારશે તેવી આશા સાથે પ્રિય મિત્રો આપ પણ તેનો              આનંદ લેશો એવી અપેક્ષા !

No comments:

Post a Comment